સફર સમાજને સમજવાનો
સમાજ જીવનનું એક એવું અભિન્ન અંગ છે જેને ના છુટકે સમજવું પડે છે, માનવું પડે છે. સમાજ! જ્યાં જીવન પોતાનું હોય પણ નિર્ણય બીજાની દ્રષ્ટીને ધ્યાને રાખીને કરવાના હોય છે. સમાજ આમતો દેખાતો નથી પણ જયારે માણસ એકલો પડે ત્યારે આખો સમાજ દેખાવા લાગે છે. આમ તો પોતાની મરજીનું માનીએ તો સમાજ કંઈ સજા આપતો નથી. પણ એક પ્રશ્ન જરૂર પૂછશે કે “સમાજ શું કેહશે?”. જે પ્રશ્નનો જવાબ કોઈ નથી આપી શકતું કેમકે આ પ્રશ્નના જવાબમાં બીજા કેટલાક કપરા અને તીખા પ્રશ્નો આવીને ઉભા રહે છે. લોકો સમાજની મરજીને પોતાની મરજી સમજી ચુપ રહે છે. એવું પણ નથી સમાજ દુઃખમાં સામે હોય અને સુખમાં સાથે હોય, સમાજ તો સામેજ હોય અને પ્રશ્નપત્ર તૈયાર હોય. પણ સુખના સમયે માણસ પર લાંછન અને ઈર્ષા ભર્યા પ્રશ્નો હોય. સમાજ જયારે બન્યો હશે ત્યારે તેનો એક નિયમ પણ બન્યો હશે જેનો કોઈ ઉલ્લેખ નથી થયો પણ તેને આંખ બંધ કરીને મનાય છે જે નિયમ છે ‘‘રૂઢીચુસ્તતા’’.
સમાજનું એક અભિન્ન અંગ છે એ એક જ નિયમ છે‘‘રૂઢીચુસ્તતા’’ જે કેટલાક વર્ષોથી આપણી સાથે ચાલતો આવે છે અને ચાલતો રહે છે. જ્યારે માણસ મરજીનો માલિક બનશે ત્યારે સમાજના લોકો આજ નિયમથી કોય નવું પરિવર્તન કરવાની ના પાડે છે. પરીવર્તનથી ભાગે છે, જયારે પરિવર્તન સંસારનો નિયમ છે. સમાજ આમ તો બીજા માટે તો આગળ વધી જાય છે પણ જયારે પોતાનો પ્રશ્ન આવે ત્યારે પોતાની રૂઢી છોડવા માંગતો નથી.
આ સમાજને સમજવા માટે તો આખું જીવન નીકળી જાય છે. ક્યારેક એવું પણ થાયને જીવનના અમુક પ્રસંગો સમાજની પરિભાષા શીખવી જાય છે. આમ જોવા જઈએ તો સમાજનો કોય દોષ નથી કેમ કે જયારે આપણું કામ થતું હોય ત્યારે બધું બરાબર છે, પણ જયારે આપણું કામ ના બને ત્યારે આપણે પોતાની ભૂલ સમજવા પહેલા બીજા પર દોષારોપણ કરીએ છીએ. ત્યારે આપણે તેને સમાજનું નામ આપી પોતાની ભૂલને દબાવીએ છીએ. જોવા જઈએ તો સમાજનો મતલબ થાય છે કે એકબીજાને મદદરૂપ બની એક બીજાની ભૂલો સુધારીએ પણ જયારે કોઈ આપણી ભૂલ બતાવે ત્યારે આપણે તેના પર આરોપોનો વરસાદ કરીએ છીએ. આજકાલના માણસની આ માનસિકતા બની ગઈ છે કે આપણે કોઈની વાતને હકારાત્મક નથી લઈ શકતા.
એક સુઘડ સમાજનું નિર્માણ પણ આપણાથી થાય છે. એનો વિનાશ પણ આપણાથી જ થાય છે. જયારે આપણને કોઈના પ્રશ્નોના જવાબ આપવા પસંદ નથી કરતા ત્યારે આપણને પણ કોઈને પ્રશ્નો કરવાનો હક નથી. જ્યારે સમાજ બની સૌવાદ કરવાનો સમય આવે છે ત્યારે તો આપણા પ્રશ્નપત્ર પણ તૈયાર હોય છે. એટલે જયારે વાત આ સમાજને સમજવાની થાય ત્યારે સૌ પ્રથમ આપણે આપણા વિચારોની ધારાને બદલવાની જરૂર છે. પેલી ગુજરાતી કહેવત છે કે ‘‘આંખમાં કમળો તે જગત પીળું જ દેખે’’ આ કહેવતનો મતલબ એવો થાય છે કે જેવું આપણું મન હોય તેવું આખું જગત દેખાય. એ પરથી એવું તારણ કાઢી શકાય કે જો સમાજને પૂરી રીતે સમજવો હોય તો પહેલા પોતાની જાતને સમજી તેને સમય સાથે પરિવર્તન કરી અને પોતાની ભૂલનો સ્વીકાર કરતા શીખવું પડે. બીજાની ભૂલ પર હસવા કરતા તેને સુધારવા માટે તેની સહાયતા કરવી જોઈએ. ત્યારે એક સુઘડ સમાજના નિર્માણની શરૂઆત થશે. આમ જોવા જાઈએ તો સમાજ અને માણસ વચ્ચેની આ જંગનો અંત નથી પણ જયારે બદલાવની શરૂઆત આપણાથી થશે ત્યારે સમાજ સાથેની જંગના અંતની શરૂઆત થશે.
Comments
Post a Comment